*અનુવાદ*

 

કિશોરલાલ મશરૂવાળા

(૫/૧૦/૧૮૯૦ – ૯/૯/૧૯૫૨)

  કિશોરલાલ એક ઉત્તમ ચરિત્રકાર, નિબંધકાર, અનુવાદક એવા શ્રી કિશોરલાલ મશરૂવાળાએ પોતાનું પ્રાથમિક શિક્ષણ અકોલા, મહારાષ્ટ્રમાં લીધું. તેઓ મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ‘ગૂજરાત વિદ્યાપીઠ’ના પ્રથમ મહાપાત્ર હતા. ગાંધી સેવાસંઘના પ્રમુખ તરીકે
તેમણે કામગીરી બજાવેલી. સાલ ૧૯૪૩ થી  ઠેઠ  સુધી  તેઓ  ‘હરિજન’  પત્રના તંત્રી રહ્યા. કાકાસાહેબ કાલેલકર મારફતે આશ્રમમાં  તેમનો  પરિચય  કેદારનાથજી સાથે થયો,જેના લીધે એમની આધ્યાત્મિક દૃષ્ટિ વિકસી. ત્યારબાદ એમની પાસેથી ગુજરાતને આધ્યાત્મિક, ચિંતનાત્મક, કેળવણી વિષયક સાહિત્યમળ્યું. તેમનાં સાહિત્યમાં 
મુખ્યત્વે ખલિલ જિબ્રાનનું ‘ધ પ્રોફેટ’, શ્રીમદ્ ભગવતગીતાનો સમશ્લોકી અનુંવાદ નામે ‘ગીતાધ્વનિ’ મળે છે. પૂ. બાપુએ 1929માં સંત તુકારામ મહારાજના કેટલાક અભંગોનો અંગ્રેજીમાં ગદ્યાનુવાદ કરેલો, તે પ્રેરણામાંથી કિશોરલાલજીએ સંત તુકારામ મહારાજના 125 જેટલા અભંગોનો પદ્યાનુવાદ કર્યો. જેની પ્રસ્તાવના પૂ. કેદારનાથજીએ લખી અને સંપાદન મુકુલ કલાર્થીએ ગૂજરાત વિદ્યાપીઠ માટે કરેલું (સાલ ૧૯૫૬). - અરુણા જાડેજા



અલ્પ મારી મતિ, તેથી ગુજારું વીનતી.
મને દાખવ, દાખવ, તારું ચરણ કેશવ.
ધીરજ મારે મન, નથી નથી નારાયણ.
તુકા અભાગિયા ઉપર, કરો દયા કરુણાકર.


જો હું ન હોત પતિત, તું ક્યાંથી પાવન ખચીત ?
માટે મારું નામ આદે, પછી તું પાવન કૃપાનિધે.
લોઢે મોટો સ્પર્શમણિ, નહિં તો પથ્થરની કણી.
તુકા યાચકને કામે, કલ્પતરુ માન પામે.


ડૂબતો ઉગાર, મને ભવાબ્ધિ મોઝાર.
ગણીશ ના ભાર, જોઈ દોષોનો પહાડ.
છું તેવો તાર, તારું બિરદ વિચાર.
તુકો કહે ગુનેગાર, હું તો પાપનો ભંડાર.


વાટડી પેખતાં થાકી ગયાં નેણ,
દેખાડીશ ચરણ, કયારે દેવ !
તું મારી માવડી, કૃપાની છાંયડી,
વિઠ્ઠલા વાટડી, જોઉં તારી.
કાં રે તરછોડ્યો ? દીધો કોને હાથે ?
કઠણ કેમ હૃદય કર્યું તારું ?
તુકો કહે ભુજા ફરકતી મારી,
મળવા બાથ ભરી પાંડુરંગ.


તમે ન જાણત વિશ્વેશ, મારા અંતરની હોંશ.
તો કેમ છૂટકો થાત, મારો વૈકુંઠના નાથ ?
જો સંભાળ્યો ન હોત, નહિ આશ્વાસન દેત.
તુકો કહે, કૃપાનાથે, ઠીક ઝાલ્યો નહોત હાથે.


મૂકે જે સંસાર, કૃપા તે પર અપાર.
દોડે ચાલે કેડે કેડે, સુખ-દુઃખ જાતે ખેડે.
આણે લેવું એનું નામ, તેણે કરવું તેનું કામ.
તુકારામ કહે ભોળી, વિઠાઈ કૃપાની પૂતળી.


બેસશું, રમશું, ખાશું, તહાં નામ તારું ગાશું,
રામકૃષ્ણ-નામ-માળા ધારી, શોભાડશું ગળા.
વિશ્વાસ એ ધરશું, નામ બળવાન કરશું.
તુકો કહે જીવન, હવે રહ્યું તારે શરણ.


તારા પરમ પરમ, ભક્ત વિચારે મરમ.
જપ તપાદિ સાધને, - હું થી ચિંતાય ના મને.
કરુણા વચન, તને ભાખું હું તો દીન.
તુકો કહે માનો, મારું થોડું ઝાઝું જાણો.


કરવા શું ના તને શક્ય, હવે રાખ મારી પત.
હું તો અપરાધોનો નિધિ, નખથી શિખા સુધી.
ત્રાહે, ત્રાહે, ત્રાહે, હું પર કૃપાદૃષ્ટિ વહે.
તુકો કહે, દેવ, સત્ય અંગીકારો સેવ.

૧૦
ક્રિયામતિ-હીન, એક તારો છું હું દીન.
પ્રભુ, લેજે તું સંભાળ, મારી ઠાર હૈયાઝાળ.
ગુણદોષ કંઈ મારા સંભળાવતો નહિ.
કોટિ દોષ મારા વેઠ, તુકા, રાખી મોટું પેટ.

૧૧
ન ત્યજાયે અન્ન, હુંથી સેવાય ના વન.
માટે, નારાયણાં, દીન યાચું હું કરુણા.
નથી અધિકાર, કંઈ ગોખવા અક્ષર.
તુકા કોકડું ભૂંડું, મારું આયુષ્ય એળે જતું.

૧૨
ગંગા તણો અંત ન જાણ્યે શો દોષ ?
પૂરી થાય હોંશ, તૃષા છીપ્યે.
વિઠ્ઠલની મૂર્તી રમણ સુંદર,
રાખું નિરંતર હૃદા વિષે.
ગરજ જો સરે માખણને ગોળે,
બગરું સંભાઈ એવો કોણ ?
બાળની સવડે માતા આપે ગ્રાસ,
તેને નહિ ત્રાસ-ચિંતા કાંઈ.
ગાઉં, નાચું, કરું આનંદથી લહેર,
ન ભાવ ઈતર, રહ્યો જુદો.
તુકો કહે સર્વે થયું એકમય,
હવે પ્રીત ન્હોય પરલોકે.

૧૩
મનવાચાતીત સ્વરૂ૫ છે તારું,
તેથી મેં સ્વીકાર્યું ભક્તિ માપ.
ભક્તિ તણા માપે માપું હું અનંત,
ઈતર ન રીત સાચી એકે.
યોગ-યાગ-તપે, દેહ તણા કષ્ટે,
જ્ઞાનનેય સાટે મળે ના તું.
તુકારામ તણી ભોળે ભાવે સેવ,
સ્વીકાર કેશવ, જેવી કરું.
 
૧૪
તારા ગુણ ગાવા નહીં મુજબ મતિ,
રહી સર્વ શ્રુતિ મૌન ધરી.
મૌન ધરી વાણી ચારે થઈ ચૂપે,
એવું છે અનુપ રૂપ તારું.
રૂપ તારું એવું નેત્ર નહિ પેખે,
ત્યાં સર્વ થાકે બ્રહ્માદિક.
બ્રહ્માદિક દેવો થયા કર્મબધ્ધ,
તેથી ખટાટોપ તેને ઘણો.
તુકો કહે તારાં ગુણ, નામ, રૂપ,
અતિશે અનુપ, કેમ વર્ણું ?

૧૫
હોંશ રાખું મને તને દેખું એવી,
આચરણ નહિં, પત્તો કાંઈ.
નિજ બળે થાય મને તું સહાય,
તો જ તારા પાય દેખી શકું.
ઉત્તમ હું સજયો બાહ્ય આડંબરે,
મુંડન અંતરે નહીં તેવું.
તુકો કહે જીવન ગયું સર્વ એળે,
જો નાહ વહારે ધાઓ, દેવ.

૧૬
પ્રભુ મારો સગો સંગાથી સજજન,
પ્રભુ મારે મન બેઠો દૃઢ.
પ્રભુ મારાં અંગો, વ્યાપી મારી કાયા,
પ્રભુ મારી છાયા બન્યો મને.
પ્રભુ મારો બેઠો રસનાની ટોચે,
નહિં વંદુ વાચે અન્ય કાંઈ.
સકળ ઈંદ્રિયે મનડું પ્રધાન,
તેયે કરે ધ્યાન પ્રભુજીનું.
તુકો કહે હવે પ્રભુનો વિસાર.
અશ્કય લગાર ઈચ્છું તોયે.

૧૭
કામ ક્રોધ ઉભા આડા આ ડુંગર,
અનંતનું ઘર પેલી કોરે.
ઓળંગી ન શકું, મળે નહિ વાટ,
દુસ્તર આ ધાટ વેરીઓનો.
હવે કેમ મારા સખા નારાયણ,
રહ્યા અન્તર્ધાન, પાંડુરંગ.
તુકો કહે મારો દેહ મહામૂલો,
એળે જાય ચાલ્યો, જોઉં સ્પષ્ટ.

૧૮
કરી રહેવા ઈચ્છું આત્મા જ પ્રમાણ,
નિશ્ચળ ન રહે મન, કેમ કરું ?
જમ્યા વિના શાણે આવે ઓડકાર ?
શબ્દોના પ્રકાર શૂન્ય વસ્તુ.
પુરું પુરું હવે લૂખું બ્રહ્મજ્ઞાન,
અમે તો ચરણ રાખ્યું ઝાલી.
વિરોધ વિરોધ આગે આગે વાધે,
વાસનાને હાથે ગર્ભવાસ,
ધરછોડ, અંગે વસે પુણ્ય પાપ,
બંધન-સંકલ્પ તેનાં નામ.
તુકો કહે નહિ મુક્તિ પડી વીલી,
એવો કોણ બળી, નિરસે દેહ ?

૧૯
તારા વિણ ન્હોય વર્ણવે જે તને,
ત્રણે ત્રિભુવને બીજો કોઈ.
સહસ્ત્ર મુખ થાક્યાં શેષનાં બિચારાં,
જિહ્વી માંહી ચીરા પડ્યા તેને.
અવ્યક્ત, અલક્ષ્ય, અપાર, અનંત,
સચ્ચિદાનંદ, નારાયણ.
નિજ ઈચ્છા વડે રૂપ નામ ગ્રહે,
જેવો જેને ભાવે, તેને કાજ.
તુકો કહે જાતે દાખવે પોતાને,
તો જ ભક્ત જાણે તારું રૂપ.

૨૦
મારા પ્રભુખીનો કેવો પ્રેમભાવ !
સ્વયં હરિ થાય ગુરુદેવ !
પ્રીતે દેહ પાળે, પૂર્ણ કામ કરે,
અંતે લીન કરે આત્મરૂપે.
આગે અને પૂંઠે ઉભીને સંભાળે,
સઘળાયે ટાળે આધાતોને.
યોગક્ષેમ તેનો ઉપાડે તે ભારે,
દોરે માર્ગે ધીરે ઝાલી હાથ.
તુકો કહે જેને વિશ્વાસ ના મને,
શોધીને પુરાણે સાખ જોવી.

૨૧
કેવો હે કૃપાળ, બહુ દીન પરે વહાલ.
તેનો ભાર વહે માથે ચલવે યોગક્ષેત્ર જાતે.
ન ભૂલવા દે વાટ, હેતે દોરે ધરી હાથ.
તુકો કહે જીવ સાટે અનુસરતાં એક ચિત્તે.

૨૨
કરતાં કોઈનુંયે કાજ, નહિ લાજ હરિને.
રૂડું કરવા એ કામ ધર્યું નામ દીનબંધુ.
થઈ ઉત્સુક પેખે રાહ, થવા સહાય ગમે તેને.
બોલે તેવાં કરે કામ, તુકો કહે એક રામ.

૨૩
ભક્ત વિના દેવ, કયાંથી રૂપ અને સેવ ?
શોભે પરસ્પરે, જેમ સોનું હીરા વડે.
દેવ વિણ ભક્તે કોણ નિષ્કામતા અર્પે ?
તુકો કહે બાળ-માતા જેવી સ્નેહીજાળ.

૨૪
ભક્ત દેવ-ઘરનો શ્વાન, દેવ ભક્તનો પોષાણ.
પરસ્પર જડયાં કેવા જીવ-અંગ મળ્યાં જેવા.
દેવભક્તની કૃપાળુ માત, ભક્ત દેવ તણો તાત.
તુકો કહે અંગે, એક એક તણે સંગે.

૨૫
પાપી વાસનાયે નહિં જુઓ આંખો,
તેથી ભલે અંધો રહું હું તો
નિંદાનું શ્રવણ ન હો મારે કાને,
બધિર કરીને રાખો પ્રભો.
અપવિત્ર વાણી ન હો મારે મુખ,
તેથી ભલે મૂક રહું હું તો.
ન હો મને કદી પરસ્ત્રીસંગતિ,
જગજીયે મટી જતાં ભલે.
તુકા મને આવ્યો સહુથી કંટાળો,
લાગે એક વહાલો ગોપાળો તું.

૨૬
નહિ મળો ખાવા, ન વધો સંતાન,
પણ નારાયણ કૃપા કરો.
એવી મારી વાચા ઉપદેશે મને,
વળી લોકનેયે તે જ ભાખે.
રિબાઓ શરીર ગમે તે વિપત્તે,
પણ રહો ચિત્તે નારાયણ.
તુકો કહે, નાશવંત આ સકળ,
સ્મરવા ગોપાળ તે જ હિત.
 
૨૭
આ જ દાન આપો, હરિ, તને જાઉં ન વીસરી.
પ્રેમે ગાઈશ ગુણ, મારું એ જ સર્વે ધન.
નેચ્છું મુક્તિ ધન સંપદા, સંત સંગ દેજે સદા.
તુકો કહે, ગર્ભવાસે મને ધાલજે તું સુખે.

૨૮
પવિત્ર તે કુળ, પાવન તે દેશ,
જયાં હરિના દાસ ધરે જન્મ.
કર્મધર્મ તેનાં સર્વ નારાયણ,
તેનાથી પાવન ત્રણે લોક.
વર્ણ અભિમાને થયા જે પાવન,
જણાવો, સુજાણ, તેનાં નામ.
અંત્યજાદિ વર્ણો તર્યા હરિનામે,
ગાયો છે પુરાણે તેનો યશ.
વૈશ્ય તુલાધાર, ગોરો તો કુંભાર,
મોચીડો ચમાર રોહીદાસ.
કબીર મોમીન, લતીફ મુસલમાન,
સેનો નાવી, જાણ, વિષ્ણુદાસ.
દાદુ તે પીંજારો, કાનોપાત્રા, ખોદ,
પામ્યા તે અભેદ પ્રભુપદે.
ચોખામેળો, બંકો જાતિના મહાર,
તેશું સર્વેશ્વર ઐકય કરે.
નામા તણી જની, કેવો તેનો ભાવ ?
જમે પંઢરીરાવ તેના ભેળા !
મૈરાળ જનક, નહિં કુળ જાણું,
માહાત્મ્ય શું તેનું કહેવું મુખે ?
જાતિપાંતિ ધર્મ વૈષ્ણવને નહોય,
કર્યો છે નિર્ણય વેદશાસ્ત્રે,
તુકો કહે તમે ખોળી જુઓ ગ્રંથ,
કેટલા પતિત તાર્યા આગે.
 
૨૯
કે શું અહીં કાળ આવ્યો મારે આડે,
ભેદ વચ્ચે પાડે વિરોધી તે ?
કે શું પડી મોટી વિચારોની ગૂંચ,
ઉપજે સંકોચ એવો પ્રશ્ન ?
કે નહિ થાય ભેટવાની વૃત્તિ,
એવી દ્વૈતબુધ્ધિ ધરી દિલે ?
પાપ મારું વધ્યું કે બન્યો તું દર્બળ,
પૂર્વનું તે બળ રહ્યું નહિં ?
કે અતિ ઋણે મોઢું સંતાડીને રાખો ?
કે બંધને શું નાંખ્યો લેણદારે ?
તુકો કહે શાને વાળે છે તું ગોટો ?
કર હક્ક છૂટો તારો મારો !

૩૦
દોડી આવ માડી, શું જુએ રહી ધીરી ?
ધીર નહિ મારે ઉર, થાઉં વિયોગે આતુર.
દે શાંતિ તું શીતળ, બહુ થયો હું વિહ્વળ,
તુકો કહે, શિર ક્યારે મૂંકું પાયે સ્થિર ?

૩૧
ન જાણું હું કેવો કરવો ઉપાય,
ભાવ તારે પાય રહે જેથી.
આવીને તું વાસ કરે મુજ હૈયે,
કેમ, કયારે કહે, બને એવું ?
સાચ ભાવે તારું મનમાં ચિંતન,
રહે પ્રતિક્ષણ કરો પ્રભુ !
મિથ્યા મારું-તારું કરીને તું દૂર,
સત્ય તું અંતર આવી રહે.
તુકો હું પતિત કરજો સંભાળ,
રક્ષજો, કૃપાળ, નિજ બળે.
 
૩૨
અનન્ય ભાવે ભક્તિ, નવ લાગે બીજી યુક્તિ.
એમ સમજાયું મને, મુજબ ભાવબળે મને.
તવ સ્મૃતિ માત્ર બસ, સુખ સર્વ તેને વશ.
તુકો કહે નારાયણ, ઈચ્છે માનસી પૂજન.

૩૩
જયાં જયાં હું જાઉં ત્યાં ત્યાં તુ મારી સંગાથે,
ચલાવતો હાથે ઝાલીને હો.
રસ્તે જાતાં મારે તારો જ આધાર,
ઉપાડેયે ભાર સાથે મારો.
જેવું તેવું બોલું, કરી દે તું સ્પષ્ટ,
કાઢી લાજ ધૃષ્ટ કીધો દેવે.
સર્વે જન મારા થયા લોકપાળ,
સંબંધી સકળ પ્રાણસખા.
તુકો કહે હવે ખેલું હું નચિંત,
મળ્યું તુજ સુખ અન્તર્બાહ્ય.

૩૪
કેટલીયે કરું વિમાસણ જીવે,
મન તો દોડાવે દશે દિશા.
કોઈ એક ભાવે તમે અંગીકારો,
કરવા વિચારો એ જ કાજે.
બીજા સર્વ લાભો તુચ્છ હવે થયા,
અનુભવે આવ્યા ગુણ દોષ.
તુકો કહે લાગો અખંડ સમાધિ,
જાઉં પ્રેમાંબુધિ - માંહી ડૂબી.

૩૫
માગું એક જ હું દેવ, તારા ચરણની સેવ.
બીજું લઉં ન આપે તોયે, ઋદ્ધિ, સિધ્ધિ, મુક્તિ ચારે.
સતસંગ સર્વ કાળ, દૃઢ પ્રેમનો સુકાળ.
તુકો કહે રામનામ, તેણે સરે મારું કામ.

૩૬
હું તુજ શરણાગત, જન્મોજન્મનો અંકિત.
અન્ય કાંઈ નહિ હોંશ, તારા વિણ જગદીશ.
આ જ મારું ગાન, તુજ નામનું કીર્તન.
તારા નામનું ભૂષણ, તુકે કર્યું છે ધારણ.

૩૭
ઉતરી ગયો પાર, પાકો થયો એ નિર્ધાર.
કંઠે ધર્યું તારું નામ, છોડયું જગતે તમામ.
હવે ના’વે કોઈ બાધા, કોઈ વિષયની કદા.
તુકો કહે નહિ, હવે કરવું રહ્યું કંઈ.

૩૮
મને સંતોનો આધાર, તમે કેવળ ર્નિિવકાર.
જો જો વિચારીને, માવ હુંથી માંડશો ના દાવ.
નવ બોલી શકો તમે, ટેવ વઢવાની મને.
તુકો કહે રાખો યાદ, એકયભાવે તૂટે વાદ.

૩૯
અમારી વિશ્રાંતિ, તારું ચરણ કમળાપતિ.
વારે વારે નમન, કરીને આળોટણ.
આ જ એક જાણું, કાયા, વાચા, મનુ.
નીચ સહુ લોકે, તુકો છેલ્લે પગથિયે.

૪૦
આમ છાંડીને ધીરે, દિસો ઓશિયાળા કાં રે,
કામે ઉર ભરે, હાથે ન ર્હે મૃત્તિકા.
ઉદાર આ જગદાની, પાંડુરંગ અભિમાની,
તુળસીદળ પાણી, ચિંતનનો ભૂખ્યા.
ન ધટે પૂછવી ચાકરી, કોઈ વકીલ ના’વ ઘરે,
સ્વયં સર્વ કરે, ઉઠવેઠ સકળ.
નહિ આડખીલી, તુકો કહે જાતાં મળી,
ન બોલતાં ઝાલી, કેવળ પાદને રહો.

૪૧
રૂપે અટક્યું લોચન, ચરણે સ્થિર થયું મન.
ભૂલ્યો દેહ ભાવ, તને પેખતાં કેશવ.
જાણું નહિ સુખદુઃખ, જોયાં તરસ ને ભૂખ.
તુકો કહે નથી ફરતી, તારા દર્શનની વૃત્તિ.

૪૨
અમે પણ આશ, છાંડી થયાજી નિરાશ.
કોણ હવે ભય ધરે, આગે મરવાનો, હરે.
ગમે તિહાં પડો, દેહ તુરંગ વા ચડો.
તારો તારી પાસ, છું જેવો ને તેવો ખાસ.
ગયા માનામાન, સુખદુઃખનીયે હાણ.
તુકો કહે ચિત્ત, હવે રાખે નહિ ચિત.

૪૩
તારું રૂપ પેખતાં દેવ, સુખ થયું મારે જીવ.
એ તો વાણીએ કહેવાય ના, શું બોલું હું નારાયણા.
જન્મોજન્મનું સુકૃત, તારે પાયે રમે ચિત્ત.
જયારે યોગનો અભ્યાસ, ત્યારે તારો નિદિધ્યાસ.
કહે તુકો ભક્ત, મીઠાં ગાઉં હરિનાં ગીત.

૪૪
દર્શનની આશ, હવે રાખો ન ઉદાસ.
જીવ તમારે ચરણ, અહીંયાં ખાલી રહ્યું તન.
કોઈ ન સ્મરાય, બેસું ત્યાંથી ન ઉઠાય.
જીવ છતાં જુઓ, તુકો સ્થાનકે હાર્યો.
 
૪૫
ભક્તપ્રતિપાળા, દીન હો વત્સલા,
વિઠ્ઠલા કૃપાળા, છો તું માય.
વિસ્મરણ મારું, કિયે ગુણે પડયું,
ભાગ્ય ઓછું મારું, કેમ કરું ?
તુકો કહે મારું બાળીને સંચિત,
કરીને ઉચિત, ભેટ દિયો.

૪૬
ધારીને હું આવ્યો જીવે, ભેટ થાયે વિઠોબાથી.
સંકલ્પ તો નહિ અન્ય, મહારાય, વિનવું હું.
ચરણ પરે ધરું માથું, એથી સંધું મળી ગયું.
તુકો કહે નેણાં ભરી, જોઈશ હરિ શ્રીમુખ.

૪૭
તુજ વિણ મારું કોણ છે રે સગું,
જગ માંહી બીજું, પાંડુરંગા.
જોઉં તારી વાટ, લાગી તારી આશ,
રાત ને દિવસ, વેઢે ગણું.
ધંધે-ધાપે મારે લાગે નહિ પ્રીત,
તુકો કહે નીત એ જ ધ્યાન.

૪૮
આર્ત મારા બહુ ઉરે, ભેટું કયારે ચરણને ?
આની, તમે કૃપાવંત, મારી ચિંત, રાખજો હો.
તડફડ કરે ચિત્ત, અખંડિત વિયોગ.
તુકો કહે, પંઢરીનાથા, જાણો અંતરની વ્યથા.

૪૯
હું તો હવે બેઠો ધરી તવ ધ્યાસ,
ન કરો ઉદાસ, પાંડુરંગ.
નહિ ટવળાવો મને હવે હરિ,
યત્ને આ ભિખારી થયો દાસ.
ભૂખ્યો હું કૃપાના વચન કારણે,
આશ નારાયણે પૂરવી હો.
તુકો કહે આવી દિયો મને ભેટ,
પંપાળીને હાથ, ઉરે ધરો.

૫૦
કન્યા સાસરવાસે જાયે, પાછું ફરી ફરી જુએ.
તેવું થાય મારે જીવ, કયારે મળશે કેશવ.
વિખૂટી પડતાં માય, બાળક ઝૂરી ઝૂરી જોય.
નીર વિખૂટું મીન, તુકો તેવો વ્યાકુળ દીન.

૫૧
ભેટની હોંશે, અધીરું છે મન,
લાગ્યું એક ધ્યાન, જીવે જીવ.
હોંશના મારી, ચૂરો હરિ, ફોડ,
આવીને ગોપાળ, ક્ષેમ દિયો.
નેત્ર અણમીટયાં રહી ગયાં સ્તબ્ધ,
ગંગા અશ્રુપાત, વહે નિત્ય.
તુકો કહે તમે કરો, દેવ, સાચ,
કોલનાં જે વાચ, જૂનાં દીધા.

૫૨
ભેટ કાજે જીવે બંધાણી છે આશ,
જોઉં અહોનિશ વાટ તારી.
ર્પૂિણમાનો ચંદ્ર ચકોર જીવન,
તેમ મારું મન વાટ જુએ,
દિવાળી નોતરે, બાળકોને આશા,
જોઉં હું દિશા પંઢરીની.
ક્ષુધાતુર બાળ શોક કરે અતિ,
વાટ જુએ તદપિ માવડીની.
તુકો કહે મને લાગી ઘણી ભૂખ,
દોડી શ્રીમુખ, દાખવો હો.

૫૩
કીર્તન સુણવા લોભિયાં શ્રવણ,
શ્રીમુખ લોચન નીરખવા.
ઉદય આ ભાગ્યનો થશે કયે કાળે,
ચિત્ત તડફડે, તેને કાજ.
ઉતાવળાં બાંય ભેટ માટે દંડ,
આલોટણ ધડ નાંખવાને.
તુકો કહે માથું ચરણે રાખીશ,
ઉપવાસ ભાંગીશ ઈંદ્રિયોનો.

૫૪
તમે મૂકીને હું પૂજું છું સંપુટે,
પણ તારે પેટે ચૌદે ભુવન.
તવ આગે નાચી દાખવું કૌતુક,
પણ નહિ રૂપ રેખા તને.
તારે કાજે અમે ગાતાં રહીએ ગીત,
પણ તું અતીત શબ્દ થકી.
તારે કાજે અમે ગળે બાંધી માળો,
પણ તું વેગળો કર્તુત્વથી.
તુકો કહે હવે થઈ પરિમિત,
મારું કાંઈ હિત વિચારોને.

૫૫
ક્યારે એવી દશા આવે મારે અંગ,
ચિત્ત, પાંડુરંગ, ઝૂરે ઘણું.
વિસારીને દેહ ચરણ ચિંતન,
ભંગાણ તે ક્ષણ, નહીં મધ્યે.
કયારે એવો પાત્ર લાભનો થઈશ,
કયારે હૃષિકેશ, રાજી થશે.
તુકો કહે ધન્ય માનીશ સંચિત,
લઈશ નિત્યાનિત્ય પ્રેમસુખ.

૫૬
સર્વ ભાવે આવ્યો તારે હું શરણ,
કાયા વાચા મન સહિત દેવ.
બીજું કાંઈ પણ મારી મન ના’વે,
રહે તારે પાયે ઈચ્છા એક.
જડ ભાર જીવે રહ્યો કાંઈ મારે,
તું વિણ તારે કોણ એક ?
અમે તારા દાસ, અમારો તું ઋણી,
પાછળ આવ્યો ઘણી દૂરથી હું.
તુકો કહે હવે ધર્યો મેં ઉંબરો,
હિસાબ કર મારો દઈ ભેટ.

૫૭
શું રે તારું જાયે મને ભેટ દેતાં,
વચન બોલતાં, એકાદ-બેય ?
શું તારું રૂપ લઈશ હું ચોરી,
તે ભયે હરિ, લપાઈ રહ્યો ?
ગરજ ન મારે તારે વૈકુંઠે,
બીશે ના ભેટે હવે મારી.
તુકો કહે તારી માગું ના દસોડી,
રાખું હું આશડી દર્શનની.

૫૮
પાપનો હું રાશ, સેવાચોર પાય પાસ.
કરો દંડ નારાયણ, મારા માનનું ખંડન,
લોક હાથે સેવ, લઉં લાંઠપણે દેવ.
તારો ના સંસારી, તુકો, બન્ને બાજુ ચોરી.
 
૫૯
બેડે બેડું મેલે, ગુર્જરી છૂટે હાથે ચાલે.
ધ્યાને લાગો એવું હરિ, તારે ચરણે ચિત્ત ઠરી.
આમંત્રણે લોભ, જેવો રાખે દુર્બળ લોક.
લોભી વ્યાજની છે આશ, વેઢે ગણે દિવસ માસ.
તુકો કહે પંઢરીનાથા, મને બીજી ન હો વ્યથા.

૬૦
આ જ શ્રેષ્ઠ ભક્તિ દેવને છે પ્રિય,
સંકલ્પની માયા, સાંસારિક.
રાખે જેમ રામ તેવી રીતે રહીએ,
ચિત્તે શું રાખીએ સમાધાન.
ધારતાં ઉદ્વેગ દુઃખ જ કેવળ,
ભોગવવું ફળ, સંચિતતણું,
તુકો કહે નાંખી તેના પર ભાર,
અર્પું આ સંસાર દેવ-પાયે.

૬૧
લાગીને હું પાયે વિનવું સાંભળો,
દઈ તાળી બોલો મુખે નામ.
વિઠ્ઠલ વિઠ્ઠલ બોલો સદા વાણી,
આ સુખ-લહાણી સ્વર્ગે ન્હોયે.
કૃષ્ણ વિષ્ણુ હરિ ગોવિંદ ગોપાળ,
મારગ આ સહેલ વૈકુંઠનો.
સકળને આંહી મળ્યો અધિકાર,
કલિ માંહી ઉદ્વાર હરિનામે,
તુકો કહે નામે રહી ચારે મુક્તિ,
એવી કહે ઉક્તિ ઘણે ગ્રંથે.

૬૨
અમ વૈષ્ણવ તણું આ જ છે ભંડોળ,
વિઠ્ઠલ સકળ ધનવિત્ત.
લ્યો નિજ હાથે આવે નહિં હાણ,
રાખી સમાધાન ચિત્તે પુરું.
તુકો કહે દ્રવ્ય અન્યે કર્યું ભેગું,
તે તો કોઈ ભેગું ગયું નહિં.

૬૩
શું રે બગડે મારું, બૂરો કહેતાં મને,
સમાધાન શાને કરું તેનું ?
પહોંચાડે શું લોક મને પરલોકે,
જાતાં કોઈ એકે રોકી શકે ?
નહિ કહું કોને ઉત્તમ કે દુષ્ટ,
સુખે મારી ફૂટ કરો તેઓ.
સર્વ મારો ભાર ધર્યો પાંડુરંગે,
કાજ મારે જગે સાથે કોની ?
તુકો કહે મારું સર્વસ્વ સાધન,
નામસંકીર્તન વિઠોબાનું.

૬૪
લેને લેને મારી વાણ, મીઠું વિઠ્ઠલનું નામ.
તમો લો રે આંખો સુખ, જુઓ વિઠ્ઠલનું મુખ.
તમે સાંભળો રે કાન, મારા વિઠ્ઠલનાં ગાન.
મન ત્યાં જ કર રે દોડ, ધર વિઠ્ઠલ ચરણજોડ.
તુકો કહે જતાં જીવ, ન છોડીશ આ કેશવ.

૬૫
ચાર આશ્રમોના ધર્મ, દોષ થાતાં નડે કર્મ.
તેવી ન્હોય ભોળી સેવ, ભાવમાત્રે રીઝે દેવ.
તપે ઈંદ્રિયોનો ત્રાસ, એક ક્ષણે થાયે નાશ.
મંત્રે ચળે કદી થોડો, કરી મૂકે સાવ ગાંડો.
વ્રત કરતાં જો પૂર્ણ, એક ભૂલે થાય ચૂર્ણ.
સત્વગુણે રહે ધર્મ, નહિ તો થાય વ્યર્થ શ્રમ.
ભૂતદયા માંહી કલેશ, ભેદ દૃષ્ટિ રાખ્યે લેશ.
તુકારામ કહે સાર, વિધિ-નિષેધોનો ભાર.

૬૬
આગળ પાછળ પરમેશ્વર, તેના દાસને શો ડર ?
કરો આનંદે કીર્તન, નહીં રાખો શંકા મન.
કાળનો શો ભાર, હરિ આગળે લગાર ?
જેનો સધ્ધર સ્વામી, તુકારામને શી ખામી ?

૬૭
અનુતાપે દોષ જાતાં ન લાગે નિમેષ.
પણ રોવો જોઈએ સ્થિર-આદિ-અંતેયે ગંભીર.
એ જ પ્રાયશ્ચિત, અનુતાપે ન્હાય ચિત્ત.
તુકો કહે નહિ પાપ અડે થાતાં અનુતાપ.

૬૮
ભાવભરી ભક્તિ, હરિને તે જ વ્હાલી અતિ.
ભોગ ભાવનો જ ખોળે, ન રીઝે બાહ્ય ડોળે.
અંતરની જાણે, તેના ચરિત્ર પ્રમાણે.
તુકા, રામની પાસ, જૂઠ ચાલે ક્યાંથી લેશ ?

૬૯
ટીલું, ટોપી, માળા, દેવોનો ગવાળો,
રાખતો ઠઠારો, પેટ કાજે.
તુળસી ખોસે કાને, દર્ભ ખોસે શિખે,
વ્યર્થ ઝાલી રાખે નાસાદાંડી.
કીર્તન ટાણે રડે, પડે, લોટે,
પ્રેમ વિણ કંઠે ગદ્ગદ થાય.
કથા કરી દાખે પ્રેમકળા મસ,
અંદર ભર્યો રસ કુકર્મોનો.
વેરાગીના વેષે પેખે પરનારી,
કામલોભે ભરી જેની વૃત્તિ.
તુકો કહે એવા માયાના ગુલામ,
તે પાસે રામ ન હોયે ન હોયે.

૭૦
કળિયુગે કાવ્યે કરતા પાખંડ,
કુશળ એવા ભાંડ બહુ વધ્યા.
દ્રવ્ય-દારા-પુત્ર ચિત્ત માંહી ઝંખે,
મુખે બહુ બકે કોરા વાદ.
દંભે કરે વેશ છેતરવા જગ,
મોઢે બોલે ત્યાગ, મને ના જે.
વેદાજ્ઞા ન પાળે, કરે ન સ્વહિત,
નહિયે અલિપ્ત દેહ થકી.
તુકો કહે તેને દંડ દેશે કાળ,
બોલે તેવી ચાલ જેની નહોય.

૭૧
ઢાલ-તલવાર રોક્યા બંને હાથ,
કહો કેમ બાથ ભીડું યુધ્ધ ?
પેટી, બખ્તર, ટોપ લોઢાનાં આભરણ !
નક્કી આ મરણ આવ્યું સામે !
બેસાડયો છે વળી મોટા અશ્વ પરે,
કહો કઈ પેરે દોડું-નાસું ?
છતાંયે ઉપાય માને તે અપાય,
બોલે, હાય હાય, કેમ કરું ?
તુકો કહે પોતે સ્વયં પરબ્રહ્મ,
મૂર્ખ લહે નહિ મર્મ સંતપદે.

૭૨
તૂટે ભવરોગ, સંચિત ક્રિયમાણ ભોગ.
એવું વિઠોબાનું નામ, લેતાં ટળે ફરી જન્મ.
વસી શકે નહિ પાપ, જાય ત્રિવિધ સંતાપ,
દાસી થઈને પ્રણામ કરે માયા, તુકારામ.

૭૩
મન ગૂંચાયું વિષયે, જાય દોડી તે જ દિશે.
તેને ફેરવે જે બળે, શૂર તે જ ભૂમંડળે.
ધાડ નાંખશે જયાં આવી, વલે શી થાય ત્યાં તારી ?
તુકો કહે નિજ મને, બહ ફસ્યા બુધ્ધિમાનો.

૭૪
નહિ પાણી જો નિર્મળ, સાબુ કરે શું કપાળ ?
તેમ ચિત્તશુધ્ધિ ન હોય, તેને બોધથી શું હોય ?
વૃક્ષ ન ધરે ફળ ફૂલ, કરે વસંત શું ધૂળ ?
તનથી પ્રાણ ગયો બહાર, તે કરે શું વહેવાર ?
તુકો કહે પાણી વિણુ, પાકે નહિ નહિ કણ.

૭૫
વેદ બહુ બહુ બોલે, અર્થ આટલો જ નીકળે,
વિઠોબાને શરણે જાવું, નિજ નિષ્ઠે નામ ગાવું.
સકળ શાસ્ત્રોના વિચાર, અંતે આટલો જ નિર્ધાર,
વિઠોબાને શરણે જાવું, નિજ નિષ્ઠે નામ ગાવું.
સિધ્ધાંત અઢારે પુરાણ, તુકા આટલી જ સુવાણ,
વિઠોબાને શરણે જાવું, નિજ નિષ્ઠે નામ ગાવું.

૭૬
ચિત્ત શુધ્ધ હો તો શત્રુ મિત્ર થાયે,
વાધે નહિ ખાયે, સર્પ તેને.
વિષ તે અમૃત, આધાત તે હિત,
અકર્તવ્ય તે નીત, થાયે તેને.
દુઃખ પણ દેતું સર્વ સુખ ફળ,
થાતી તે શીતળ, અગ્નિ જવાળ.
જીવ જેવો વહાલો, લાગે એ જીવોને,
અંતરે સહુને એક ભાવ.
તુકો કહે કૃપા કરે નારાયણ,
થાય તે સુજાણ સ્વાનુભવે.

૭૭
પ્રભાતે ઉઠીને ખાવાની જ ચિંત,
આત્માનું તું હિત ના સંભારે.
જનનીને પેટે ઉપજિયો જયારે,
ચિંતા તારી ત્યારે તેણે કીધી.
ચાતકને કાજે મેધ નિત્ય વર્ષે,
કેમ તે ઔદાસ્યે છોડે તને ?
પક્ષી વનચરો ફરે ભૂમિ પરે,
તેનીયે તે કરે ઉપેક્ષા ના.
તુકો કહે ભાવ ધરી રાખે ચિત્ત,
તો તો શ્રીનાથ ઉપેક્ષે ના.

૭૮
એક શેર અન્ને ચાડ,
બાકી વૃથા બડબડ.
કાં રે તૃષ્ણા તું પોષે,
બંધાઈને મોહ-પાશ.
ઉઠ હાથ જોયે જગા,
બાકી નિષ્કારણ ફાંફા.
તુકો કહે શ્રમ,
એક વિસરતાં રામ.

૭૯
કાં રે થાઓ પૂરા મૂર્ખ, દેવ રહ્યા છે સન્મુખ.
જેને પીઠ નહિ કે પેટ, ગ્રાસે ત્રિલોકને નેટ.
તમને તમારી ન સોઈ, તેમાં કોઈનું શું જાય.
તુકો કહે ગાઉં નામે, તિહાં નહિ તમે-અમે.
 
૮૦
હવે મારા નહિ કહેશો ગુણદોષ,
કરું છું ઉપદેશ તેને માટે.
માન દંભ થકી છળતો હું હોઉં,
શપથ હું ખાઉં વિઠ્ઠલ પાદ.
તુકો કહે એ તો જાણે પાંડુરંગ,
જાણે ક્યાંથી જગ અંતર્વૃત્તિ.

૮૧
સદા સર્વકાળ અંતરે કુટિલ,
તેણે ગળે માળ ધાલવી ના.
જેને નહિ ધર્મ દયા ક્ષમા શાંતિ,
તેણે તે વિભૂતિ ચોળવી ના.
જે નહિ સમજે ભક્તિનું મહિમાન,
તેણે બ્રહ્મજ્ઞાન બોલવું ના.
જેનું મન નહિ થયું રે નિશ્ચળ,
તેણે તે જંજાળ છોડવી ના.
તુકો કહે જેને નહિ હરિભક્તિ,
ભગવી કફની પહેરવી ના.

૮૨
‘થયો’ કહે તેનું લાગતું આશ્ચર્ય,
સુણો, નથી ધૈર્ય, વચન મારું.
સીઝેલા અન્ને સાક્ષી હાથ દંત,
જિહ્વાએ ચાખંત ન કળાય શું ?
તપેલા તેલે બાવન ચંદન,
ટીપું એક ક્ષણે શીતળ કરે.
પારખી તે જાણે અંતરનો ભેદ,
મૂઢ છે છંદ લાવણ્યનો.
તુકો કહે કસે, દેખાયે સિધ્ધ,
મંદ હીન શુધ્ધ યથા સ્થિત.
 
૮૩
તારી સર્વસ્વ મૂડી મન છે એક,
વહેંચતાં તે છેક, તને શું રહે ?
માટે દૃઢ કરી રાખ પાંડુરંગ,
દેહ છોડ સંગ પ્રારબ્ધને.
અન્ય કો સંકલ્પે પરોવ નહિ મન,
એમ જ કારણ સાધ્ય થાયે.
તુકો કહે એમ જાણશે ઉચિત,
તો સહજ સ્થિત જાણી શકે.

૮૪
જન્મ લેવો પડે પાતકને કાજ,
સંચિતનાં નિજ ફળ ભોગ.
પછી વૃથા દુઃખે જીવ નહિ બાળ,
થઈને રિસાળ દેવ પરે.
જાણે છે સહુયે દુઃખ એક જગતે,
ત્રાસ તેનો ચિત્ત માનો નહિ.
તુકો કહે તેના નામને સંભારો,
તેણે જ વિસારો જન્મદુઃખ.

૮૫
સુખના વ્યવહારે સુખ લાભ થયો,
આનંદ તે ભર્યો આગે પાછે.
સંગતિ પંગતિ દેવ સાથે બની,
નિત્યાનિત્ય તણી તેને સાંચે.
સમર્થને ઘર સકળ સંપત્તિ,
નહિ ત્રુટિ કદી કશા તણી.
તુકો કહે કોટિ લાભ થાયે અહીં,
જાગ પેટ મહીં બહુ તેના.
૮૬
 
ભય હરિજને, કાંઈ ન ધરવો મને.
નારાયણ જેવો સખા, તેને જગનાં શાં લેખાં ?
તૃષ્ણા વિત્ત, ચિત્ત, રહો કરી સર્મિપત.
તુકો કહે મન, રાખી રહો સમાધાન.

૮૭
શુધ્ધ લહો બ્રહ્મજ્ઞાન, કરી મન સાદર.
રવિ સર્વ રસો શોષે, ગુણદોષ નહિ લિપ્ત.
ન કોઈ સંગ ચોરી રાખે, સર્વ વિષે સમત્વ.
સત્ય આવું નિશ્ચે જાણો, તુકા માનો ઉપદેશ.

૮૮
શું રે દેવ લેતો હાથમાંનું અન્ન,
શાને બહુ મન ભય ધારો ?
ગર્જતાં તે મુખે રામ એક ધારે,
પાપ સહુ વારે ભય-ધાકે.
ખૂંટતા શું હાથ, પાય અને અંગ,
નાશે શું રે સાંગ રૂપ તારું ?
કરતાં, શું લોકો કરે બહિષ્કાર,
હરિનો પુકાર, તુકો કહે ?

૮૯
થઈશ ના જરા મનને આધીન,
સૂણો ના વચન જરા તેનું.
હઠીલાની વાતો છેદી જ નાંખો,
આશરો રાખો વિઠોબાનો.
નિજ અધીન કર નિશ્ચિત,
નહિ તો ધાત જીવે નક્કી.
તુકો કહે જેઓ મન-અધીન,
તેમને બંધન યમ કેરું.

૯૦
જીવને સાટે વંદિત વંદો,
કિંવા ન બાંધો આરંભેથી.
સ્વહિત ચાહી સૂણો આ બોલ,
સર્વસ્વ મોલ, ધીર અંગે.
સીંચતા રોપ વારંવાર રૂડો,
સૂકતાં પૂરો, ફૂટે નહિં.
તુકો કહે સહેતાં છીણી દેવપણ,
ફૂટતાં જન પાયે ચાંપે.

૯૧
અગ્નિ શું કહે, કો તાપવાને આવો,
શીતથી સિધાવે આપે જન.
પાણી શું કહેતું, મને કોઈ પીઓ,
તરસ્યા સેવે દોડી આપ.
વસ્ત્ર શું કહે, મને કોઈ પહેરો,
જગ તે ઓઢે સ્વેચ્છાએથી.
તુકાનો સ્વામી શું કહે, સ્મરો,
ઈચ્છીને ઉધરો આપે જાઓ.

૯૨
આવીને સંસાર ઉઠ વેગ કરી,
શરણ લે હરિ ઉદારનું,
પંડ આ હરિનું, ધન કુબેરનું,
તિહાં મનુષનું શું છે કહે ?
દાતા આપનારો નેતા દોરનારો,
ઈં હાં એની સત્તા, કઈ છે કહે ?
નિમિત્તનો ધણી કરી મૂક્યો પ્રાણી,
મારું મારું ભણી વ્યર્થ ગયો.
તુકો કહે કાં રે કાજ નાશવંત,
આંટી દેવ સંગ, પાડે છે તું.

૯૩
મેળવીને ધન ઉત્તમ વ્યવહારે,
ઉદાસ વિચારે વહેંચી દિયે.
ઉત્તમા ગતિ તે જ એક પામે,
ભોગવે ઉત્તમ જીવ ખાણ.
પરઉપકારી, નહિ પરનિંદા,
પરસ્ત્રીઓ સદા માતા-બહેન.
ભૂતદયા, ગાય-પશુનું પાલન,
તૃષિત જીવન વન માંહી.
શાંતિરૂપ સદા, કોથી ન ખોટપ,
વધારે મોટપ વડીલોની.
તુકો કહે એ જ આશ્રમનું ફળ,
પરમપદ બળ વૈરાગ્યનું.

૯૪
પારકી નારી માતા સમાન,
માનતાં ધન કાંઈ ઓછું ?
પરનિંદા પરદ્રવ્ય અભિલાષ,
ન કરતાં ભાખ શું રે ઓછું ?
બેસવાને સ્થતાને કહેતાં રામરામ,
શું થાય શ્રમ, કહો મને ?
સંતોને વચને રાખતાં વિશ્વાસ,
પડે શું પ્રયાસ, કહો મને ?
સાચું બોલતાં લાગતો શું શ્રમ,
કહો મને વ્યર્થ એ કાજેનો.
તુકો કહે દેવ મળવા આ રીતો,
બીજી ન શરતો એકે જુદી.

૯૫
દેહ ભાથું મૃત્યુતણું, વિચારતાં એ જણાણું.
એમાંશું માન્યો રે સાર, એ જ આશ્ચર્ય અપાર.
નાના ભોગોના સંચિત, નિજ હાથે કીધાં સિધ્ધ.
તુકો કહે કોયડા, ઉકેલી શકે ન બાપડા.
 
૯૬
કાં રે જાણીને થાઓ અજાણ,
દુઃખ પામશો આગલે સ્થાન.
હવે જાગો ને ભાઈ જાગો રે,
ઉંધતા ચોર નાડીને ભાગો રે.
હવે નહિ રે ભાઈ નહિ રે,
ગાંઠડી બાકી લૂંટવા દેવી રે.
તુકો કહે એકનો ઘાય,
કાં રે જાણીને ન ધરો ભય.

૯૭
સાધક સ્વદશા ઉદાસીન રાખે,
ઉપાધિ ન રાખે અંતર્બાહ્ય.
લોલુપતા, કાયદા, નિદ્રાને તે જીતે,
ભોજન કરે તે પરિમિત.
એકલો કે લોકે સ્ત્રીઓથી ભાષણ,
પ્રાણ ગયે જાણ બોલે નહિ.
સંગ સજજનનો ઉચ્ચાર નામનો,
ધોષ કીર્તનનો અહોનિશ.
તુકો કહે આવે સાધને જે રહે,
તે જ જ્ઞાન લહે ગુરુકૃપા.

૯૮
નિર્વાહ પૂરતું અન્ન આચ્છાદન,
રહેવાનું સ્થાન કોતર ગુફા.
ક્યાંય એ ચિત્તને ન રાખે બંધન,
હૃદયે નારાયણ, સંગ્રહી લે.
નહિ બોલે ઝાઝું બેસે જન મધ્યે,
બુધ્ધિથી સાવધે, ઈન્દ્રિય દમે.
તુકો કહે ઘડી ઘડીથી તે સાધો,
ત્રિગુણના બંધો ઉકેલીને.
 
૯૯
કાં રે ન સંભારે કૃપાળુ હરિને,
પોષતો લોકને એકલો તે.
બાળ કાજે થાને દૂધ કોણ કરે,
શ્રીપતિ વધારે બન્ને સાથે.
ફૂટતાં જે વૃક્ષો ઉષ્ણ કાળ માંહી,
ઉદકને ત્યાંહી કોઈણ ધાલે.
તેણે તારી શું રે નથી કીધી ચિંત,
રહે એ અનંત સંભારીને.
તુકો કહે જેનું નામ વિશ્વંભર,
તેનું નિરંતર ધ્યાન ધરો.

૧૦૦
ભક્તિભાવે કરી બેસને નિશ્ચિત,
પરોવ નહિ ચિત્ત જંજાળે તું.
એક દૃઢ કર પંઢરીનો રાય,
પછીના ઉપાય આપે સૂજે.
કર નહિ કાંઈ દેવતા પૂજન,
જપ તપ ધ્યાન તેયે નહિ.
માનતો રખે પોતાનું છે કાંય,
આવાગમન તોય ચૂકે નહિ.
કેટલાયે જન્મ્ લીધા છે તેં દેહે,
હજુયે કાં ન્હોયે સૂઝ તને ?
સૂઝ ધર હવે થઈ જા સાવધ,
અનુભવ આનંદ છે રે કેવો ?
સહજપણાનું શોધી લેને ગુજ,
અનુભવે નિજ શોધી તું લે.
તુકો કહે હવે થઈ તું સાવધ,
તોડ ભવબંધ એક જન્મે.

૧૦૧
હવે નહિ બીજું મનમાં વિચારું,
ચિત્તથી નિર્ધાર્યું નક્કી એક.
પાંડુરંગ ધ્યાને, પાંડુરંગ મને,
જાગૃતિ સ્વપને, પાંડુરંગ.
પડિયું વળણ ઈંદ્રિયોને સર્વે,
નહિ જુદે ભાવે ભિન્ન થાઉં.
તુકો કહે ને કરી ઓળખાણ,
તટસ્થ એ ધ્યાન ઈંટ પરે.

૧૦૨
જાણે ભક્તિરસ વ્હાલો, તે જ ભાગ્યવાન ખરો.
બીજો નહિ મારે મને, ભલે ડાહ્યો કે પંડિતે.
હરિ માંહી ચોટ્યું ચિત્ત, તેનો દાસ હું અંકિત.
તુકો કહે નવવિધ, ભક્તિ તે જ જાણે શુધ્ધ.

૧૦૩
ધન્ય ભાવશીલ, જેનું હૃદય નિર્મળ.
પૂજે પ્રતિમાના દેવ, સંત કહે તેમાં ભાવ.
વિધિનિષેધ નહિ જાણે, એકનિષ્ઠા ધારી મને.
તુકા થવું પડે દેવે, જેવો તેને ચિત્તે ભાવે.

૧૦૪
જે કો દબાય રિબાય, તેને કરે જે આત્મીય.
તે જ સાધુ પરમાણો, દેવ ત્યાં જ ર્હે જાણો.
મૃદુ સર્વાંગ નવનીત તેવાં સજજનનાં ચિત્ત.
જેને આશ્રય ન કયાંય, તેને રાખે હૃદા માંહ્ય.
કરે પુત્રે માયા જેવી, દાસદાસી પરેયે તેવી.
તુકો કહે ન અત્યુક્તિ, તે જ ઈશ્વરની ર્મૂિત.

૧૦૫
નહીં સંતપણું મળે કોઈ હાટે,
શોધતાં ગુફાએ, રાને, વને.
ના’વે દેતાં મૂલ્ય ધન તણા રાશે,
નહિયે આકાશે, પાતાળેયે.
તુકો કહે મળે જીવને જ સાટે,
નહિ તો ન મોઢે બોલો વાત.

૧૦૬
કેમ હું વખાણું ? નહિ પૂરે બોલી,
માથું પાયે મેલી, તોષ માનું.
મહાતમ છાંડ્યું, પારસે પોતાનું !
અડે નહિ તો શાનું, લોહ નીચ ?
સંતોની વિભૂતિ જગના હિતાર્થે,
ઘસતા પરાર્થે, નિજ કાય.
ભૂદયા એ જ મૂડી છે સંતોની,
નહિ મમતાની વૃત્તિ દેહે.
તુકો કહે સુખી બીજાના એ સુખે,
અમૃતને મુખે વ્હેતું ભાળો.

૧૦૭
ભક્ત એ જ જા૬ો દેહે જે ઉદાસ,
ગયા આશાપાશ તોડીને જે.
વિષય તો તેને થયા નારાયણ,
તુચ્છ જન-ધન-માતા-પિતા.
ઉદ્ધારે ગોવિંદ રહી આગે-માગે,
જરાયે ન વાગે તેને ઠેસ.
તુકો કહે સત્ય કર્મે થવું સાહ્ય,
દેખાડતાં ભય નરકે જાય.

૧૦૮
ઉત્તમ તે જાતિ, દેવ શરણે અનન્ય ગતિ,
નહિ બીજું કામ, કંઈ ભાવ મધ્યમોત્તમ.
ઉઠતી તે રેખ, બ્રહ્મ-પ્રાપ્તિ તણી પેખ.
વિશ્વાસી ભાવવાન, તુકો તેને હો નમન.
 
૧૦૯
સંત ગાતાં હરિકીર્તને, તેના લઉં પાય ધોઈને.
આ જ તપ તીર્થ મારું, અવર ન કાંઈ ધારું,
કાયા કુરબાન કરું, સંત પરે ઓવારું.
સંત મહંત મારી પૂજા, અનુભાવ નહીં બીજા.
તુકો કહે ન જાણું અન્ય, સર્વ મારું સંત ચર્ણ.

૧૧૦
વિચાર કર્યા વણ, ન થાય સમાધાન.
દેહ ત્રિગુણનો બાંધો, ગુણ એક નહિં સૂધો.
ભક્તિથી અર્પણ, કરો જે જે બને કર્મ.
તુકો કહે હિત, બહુ સુંદર ઉચિત.

૧૧૧
દેવે ભર્યું સર્વ અંગ, રંગે મળી ગયો રંગ,
એકે એક દૃઢ થયું, નિજ મૂળ માંહી ગયું.
સાગર માંહી બિંદુ પડયે કોણ કરે જાદું ?
તુકો ન રહે નામે, જાણ્યું કેવળ તે શ્યામે.

૧૧૨
વંદીશ હું ભૂત-પ્રાણીમાત્રને સમસ્ત.
તારી કરીશ ભાવના, પદે પદે નારાયણા.
સહુ ટાળીશ હું ભેદ, પ્રમાણીને વેદ.
તુકારામને અંગ, નહિ પછી દ્વૈત સંગ.

૧૧૩
અક્ષય તે થયું, હવે તૂટે ન રચેલું.
પડ્યો ઠેકાણે પાય, આગે જગ્યા નહિ ક્યાંય,
મળ્યું વીખરેલું, મારું સરવૈયું જડ્યું,
તુકો કહે વાણી, હવે ખૂટી અંત પામી.

૧૧૪
મુક્ત શાને કહાવું, નહિ બંધન હું જાણું ?
સુખે કરું હું કીર્તન, ભય વીસરી ગયું મન.
દેખું ના વિનાશ, ઝાલું કોને ધરી આશ ?
તુકો કહે સત્ય, દેવ એરૂપે નિત્ય.

૧૧૫
તારો મારો એ સંબંધ, જેવો સાગર તરંગ.
બેઉ માંહી એક જાણો, વિઠ્ઠલ પંઢરીનો રાણો.
દેવ, ભક્ત એવી બોલી, જવ ભ્રાંતિ નહિ ટળી,
તંતુ પટ એક જેમ વિશ્વે વ્યાપક છે તેમ.

૧૧૬
જાણીને અજાણ્યું કરો મારું મન,
તારી પ્રેમખૂણ, આપીને હો.
પછી હું રહીશ વર્તતો વહેવારે,
જેમ રહે નીરે પદ્મ-પત્ર.
સાંભળી ન સૂણું નિંદા-સ્તુતિ કાન,
જેવો શું ઉન્મન, યોગીરાજ,
જોઈને ન જોઉં સંસારની દૃષ્ટિ,
સ્વપ્તની સૃષ્ટિ, જેવી જાગ્યે.
તુકો કહે જવ લાભે ન એ મર્મ,
લાગે સર્વે કર્મ શ્રમરૂપ.

૧૧૭
ઉપાધિરહિત તમે નિર્વિકાર,
કંઈ જ સંસાર તમને ન્હોયે.
એવો મને કરી મૂકો, નારાયણા !
સમૂળ વાસના છેદી નાંખો.
નિઃસંગ તમારે રહેવું એકલ,
નહિ કળકળ સહી શકો.
તુકો કહે મેંલ ચઢે નહિ રંગે,
સ્ફટિકને સંગે જેમ કદી.
 
૧૧૮
દેહે વસતાંયે દેવ, વૃથા ફરતો નિર્દૈવ.
દેવ છે રે અંતર્યામી, વૃથા હીંડે તીર્થગ્રામે.
મૃગ-નાભિમાં કસ્તુરી, વૃથા હીંડે વન ભરી.
સાકરનું મુળ ઉસ, તેવો દેહે દેવ પેખ.
દૂધે ભર્યું નવનીત, નહિ જાણે મંથન રીત.
મૂરખ જન, તુકો કહે, દેવ કાં ન જુઓ દેહે.

૧૧૯
શાના વડે પૂજા કરું, કેશવારાય ?
એ સંશય, ફેડો આજે.
ઉદકે ન્હવાડું તો સ્વરૂપ એ તારું,
તેમાં દેવ ! મારું શું છે કહો ?
ચંદને સુગંધ, પુષ્પે પરિમળ,
તેમાં હું દુર્બળ, શું રે અર્પું ?
દેતાં દક્ષિણાયે ધાતું નારાયણ,
અન્ન પરબ્રહ્મ, બીજું નહિં.
ગાઉં તે ઓંકાર, તાલ નાદેશ્વર,
નાચવાને થાર નહિ કેથે.
ફળદાતા તું જ, તાંબુલ અક્ષત,
તિહાં હું અનંત ! શું રે આપું ?
તુકો કહે હરિ ! એક તારું નામ,
કૃષ્ણ, હરિ, રામ, ધૂપ દીપ.

૧૨૦
લવણ જળે મળ્યું, પછી શું રહે નિરાળું ?
તેવો બન્યો સમરસ, થયો તારામાં સમાસ.
અગ્નિ કપૂરનો મેળ, બાકી રહે શું કાજળ ?
તેવો બન્યો સમરસ, થયો તારામાં સમાસ.
તુકો કહે થાતી, તારી મારી એક જયોતિ,
તેવો બન્યો સમરસ, થયો તારામાં સમાસ.

*****