Tukaram is very dear to me.
- Mahatma Gandhi
મહારાષ્ટ્રના સંસ્કૃતિપુરુષ સંત તુકારામ (1609-1650) એમની કાવ્યરચનાઓ એટલે મરાઠી-મનનો ચિંરતન આવિષ્કાર છે અને એ સંત જ્ઞાનેશ્વર-સંત નામદેવથી માંડીને ઉત્ક્રાંત થતા આવેલા મરાઠી કાવ્યનો ઉત્કર્ષ છે.
“શુદ્ધ બીજ અંદર । થયાં ફળો રસાળ સુંદર ।।”.
શુદ્ધ બીજમાંથી જેનો ઉગમ થયો છે, જેમના સર્જનશીલ વ્યક્તિત્વને વારકરી પરંપરાનું અધિષ્ઠાન પ્રાપ્ત થયું છે એવી આ કાવ્યરચનાઓ મરાઠી સંસ્કૃતિના ગુણવૈશિષ્ટ્ય સહિત પ્રગટ થઈ છે.
મરાઠી સાહિત્યને સમૃદ્ધ કરનારી આ કાવ્યરચનાઓ માનવીની સહજપ્રતીતિ તેમજ મરાઠી સંવેદનપ્રકૃતિના હાર્દને સ્પર્શ કરનારો પારદર્શી આવિષ્કાર છે જેમાં વ્યવસાય કરિયાણાનો અને હાડ ખેડૂતનું હોવાથી અસલ મરાઠી પોતની શબ્દકળાની ભાષાના સૂક્ષ્મતમ સ્તર સહિત પ્રગટ થઈ છે. એમના અંતઃસ્ફૂર્ત શબ્દો મરાઠી ભાષાની રસસભરતાને કારણે એમાંની ગર્ભિત ઉર્જાને લીધે આ કાવ્યત્વ અજરામર થઈ ગયું. એન દ્વારા મરાઠી પ્રજાને સનતાન કાવ્યત્વનું એક નિર્મળ, નિતર્યું, ખળખળ વહેતું ઝરણું મળ્યું.
ભણે તુકો આ ઝરણું । મૂળે જ છે ખરુંખરું ।
સાડા ત્રણસો વર્ષ થઈ ગયાં તોયે આજેય એમનાં પદો આપણાં હૈયાસોંસરવા ઊતરી જાય છે અને આજની જ સમકાલીન લાગે છે. ખાસ કારણ તો એમાં માનવમનના તળિયાને ઢંઢોળનારી, માણસના તાણતણાવને સૂક્ષ્મનતાતી નોંધનારી એમની અસાધારણ પ્રતિભા. એમનું ધ્યેય એ જ રહ્યું કે કવિતાને નિતાંત પ્રેમ કરનારા પોતાના સ્વાયત્ત આત્માવિષ્કારનું અને પોતાના આત્મભાનનું માધ્યમ તો કવિતા જ રહેશે. સામૂહિક મનની અચૂક સંવેદનાને પકડાનારું આ કાવ્ય પાછું નૈતિક પરિમાણવાળું હોવાથી એમની પ્રતિભા વધુ વૃદ્ધિ પામતી રહે છે એ જ એમની પ્રતિભાનું બલસ્થાન છે.
માનવજીવનનો ભાવનાત્મક ઘોંઘાટ, માનસિક ઉથલપાથલ અને એનાં મૂલ્યોનો સંઘર્ષ તુકારામના અભંગોમાં જોવા મળે છે. આ કાવ્યો એટલે મરાઠી ભાષાનો રસકસ જે માનવ ભાવસ્વભાવની પારદર્શી અને વેધક રજૂઆતમાં પ્રાદેશિક વિશિષ્ટતાઓનો સાજ સજીને પણ વૈશ્વિક આશયને રજૂ કરે છે. ચિરંતન માનવ-મૂલ્યોની ભાળ મેળવતાં-મળવતાં આ કવિ વ્યક્તિગત અનુભવોને વૈશ્વિક પરિમાણ આપી રહે છે. એમની કવિતાનો સંદર્ભ વર્તમાન કાળ સાથે, વર્તમાન કાળના જીવન સાથે જ હોવાથી તે આજનો જ છે. તેથી એ રચનાઓ દેશકાલાતિત થઈને બધાંન પોતાની જ લાગે છે.
એમની રચનાઓ ફક્ત મહારાષ્ટર પૂરતી જ મર્યાદિત નથી, ભાષા-પ્રાંતમર્યાદા પાર કરીને આ કાવ્ય આજે ‘ડૉટ. કૉમ’ના જમાનામાં લોકો માટે મહામૂલી મૂડી બની રહે છે. તુકારામ ડૉટ. કૉમ (www. tukaram. com) વેબસાઈટની લોકપ્રિયતા પરથી એનો ખ્યાલ આવી શકે છે. વિશ્વના ખૂણેખાંચરાના કોઈ પણ સંબંધ સાથે જડબેલાસક બેસનારું આ તુકારામનું કાવ્યાત્મક ચિંતન વિશ્વના પાંચેય ખંડમાં લોકપ્રિય થઈ રહ્યું છે. દોઢસો ઉપર દેશના ભાવિકોએ એની મુલાકાત લીધી છે જે બતાવે છે કે વિદેશના વાચકોમાં આજનું પ્રતિનિધિત્વ કરાવનારું આ કાવ્ય કેટલું સમર્થ છે.
અંતિમ લાભની આશાઅપેક્ષા વગર સર્વસામાન્ય માનવતા માટેની આત્મીયતાભરી વૈશ્વિક સંસ્કૃતિ એમને ગમે છે. અખિલ માનવતા માટેની આત્મીયતા ધરાવનારા આ કવિએ જાણે સંવેદનાઓનો સાર જ કાવ્યમાંથી વહેતો કર્યો છે. કવિ તુકારામ એક અનુભવી સખા, ધીરજ ધરાવનારો સંગાથી, આંગળી પકડીને રસ્તો બતાવનારો માર્ગદર્શકના રૂપમાં આપણને સાંપડે છે. આત્મિક સંઘર્ષમાંથી સર્જાયેલા આ કાવ્યનો નાતો ઠેઠ જીવનાનુભવ સાથેનો હોવાથી તે આજે જીવંત છે.કવિતાનો પ્રવાસ આત્મશોધ માટે હોય છે અને પર્યાયે જીવનશોધનો હોય છે. તૂટેલા સહિયારા પરિવારની વેદના જીવલેણ નીવડે છે.
સંસારે થયો અતિદુઃખે દુઃખી । માબાપ સ્વધામે ગયા ।
દુકાળે ધન-માન બધું ગયું। પત્ની ખાવાના સાંસે ગઈ।
બસ, અહીંથી તુકારામના આત્મશોધ અને જીવનશોધની શરૂઆત થાય છે. જ્યારે તેમણે દુકાળમાં દાઝેલાઓના કરારપત્રો ઇંદ્રાયણી નદીમાં ડુબાડી દીધાં ત્યારે તેમણે એ દેણદારનાં દુઃખો એમાં ડૂબાડી દીધાં. એમની આ માનવતા, સંવેદનશીલતા ‘જે કોઈ ઘસાયેલા-પછડાયેલા...’ માં જોવા મળે છે. ‘વૃક્ષવેલી અમારા સખાસહિયારા…’માં તુકારામનો કુદરત સાથેનો અતૂટ નાતો કાવ્યસ્વરૂપે જોવા મળે છે.
પુરુષોત્તમ યશવંત દેશપાંડેએ (1899-1986) મૌલિક અને મનોજ્ઞ વિવેચન કરતા કહ્યું છે કે તુકારામ કદાટ સંત તરીકે ભલે ભૂલાઈ જાય પણ કવિ તરીકે તો મહારાષ્ટ્ર તેમને ભૂલી શકે તેમ નથી. કારણ કે તુકારામની કવિતામાં વાસ્તવિકતાનો સ્પર્શ પ્રબળ હોવાથી ધાર્મિક અને આધ્યાત્મિક કલ્પનાઓનાં ગાઢ નિગૂઢ આવરણો ક્ષ કિરણો (એક્સ રે)ની જેમ આરપાર છેદીને એમાંની વિશુદ્ધ માનવતા આજેય આપણી નજર સામે મનોરમ સ્વરૂપમાં ઊભરી આવે છે.